રાજ્યના પંચાયત વિભાગે 29મી ઓક્ટોબરને લાભ પાંચમે વર્ગ-3માં તલાટી, ગ્રામ સેવક, ચિટણીશ, વિસ્તરણ અધિકારી સહિત અનેક સંવર્ગોમાં આઠ હજારથી વધુ જગ્યાઓ માટે નિમણૂંક પત્રો આપવા કાર્યક્રમ જાહેર કર્યો છે. જેના કારણે દિવાળી- ગુજરાતી નૂતનવર્ષના તહેવારો પછી વિધાનસભાની ચૂંટણી જાહેર થશે તેવી અટકળો વહેતી થઈ છે. માત્ર 29મી ઓક્ટોબર જ નહિ પંચાયત વિભાગે 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસે રાજ્યના 14 હજારથી વધારે ગામડાઓમાં ગ્રામસભાનું આયોજન કરવા પણ તમામ જિલ્લા વિકાસ કમિશનરને આદેશો આપ્યા છે. તેના માટે 25 ઓક્ટોબરથી એકતા સપ્તાહ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવા પણ કહેવાયુ છે. બીજી તરફ આ વર્ષે 24 ઓક્ટોબરને દિવાળી અને નૂતન વર્ષ 26 ઓક્ટોબરની વચ્ચે 25 ઓક્ટોબરને સોમવારે પડતર દિવસ છે. આ દિવસને પણ સરકારી રજા જાહેર કરવા સામાન્ય વહિવટ વિભાગ સમક્ષ વિભાગો તરફથી પ્રસ્તાવો મળ્યા છે. આ કારણોસર પણ તહેવારો બાદ ચૂંટણીની જાહેરાત પહેલી કે બીજી નવેમ્બરે જાહેર થશે એવી માન્યતા દ્દઢ થઈ રહી છે.