ઉત્તર પ્રદેશમાં દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાને કારણે 62 લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. ઘટના ભદોહી જિલ્લાની છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે બાળક સહિત એક મહિલાનું મોત થયું છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. તો આ ઘટનામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ દર્દીઓને વારાણસી રીફર કરવામાં આવ્યા છે.
ઘટના સમયે પંડાલમાં લગભગ 200 લોકો હાજર હતા. આરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગતા લોકોએ પંડાલમાં નાસભાગ અને ચિચિયારીઓ પાડી હતી. જો કે તપાસ પૂર્ણ થયા બાદ આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કહી શકાય તેમ છે. આ ઘટનામાં અત્યાર સુધીની માહિતી મુજબ 62 લોકો દાઝી ગયા છે. જેમાંથી 42 લોકોને વારાણસી રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘાયલ એક મહિલાએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાયરમાંથી નીકળતી સ્પાર્કને કારણે આગ લાગી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.