તમે ફરવા જવા માટે ટુરિસ્ટ ડેસ્ટિનેશન સર્ચ કરીને થાકી ગયા છો? જીવનમાં કંઈક નવું એડવેન્ચર કરવું છે? અને જો તમારી ગ્રહોની સ્થિતિ ખરાબ છે અને તમારી કુંડળીમાં બંધન યોગ છે, જે તમને જેલની સફર કરાવી શકે છે, તો તેનો ઉપાય છે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં 500 રૂપિયા ખર્ચીને તમે એક રાતનો જેલનો અનુભવ લઇ શકો છો. હા, જેલ. 500 રૂપિયામાં તમે જેલ જવાના ચક્કરથી બચી શકો છો.
નૈનીતાલ જિલ્લાની હલ્દવાની જેલનો એક ભાગ પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ જેલ વર્ષ 1903માં બનાવવામાં આવી હતી. ડેપ્યુટી જેલ સુપ્રિટેન્ડેન્ટ સતીશ સુખીજાએ જણાવ્યું હતું કે જેલના છ સ્ટાફ ક્વાર્ટર સાથેના જૂના શસ્ત્રાગારનો લાંબા સમયથી ઉપયોગ થતો નથી. આ જેલ મહેમાનને રાખવા માટે તૈયાર કરવામાં આવી રહી છે.