પાલનપુર:થરાદ તાલુકાના પઠામડા ગામના 8 પાસ ખેડૂતે ચીલાચાલુ ખેતી છોડી 7 વર્ષ પહેલાં 12 એકરમાં બાગાયતી ખેતીમાં દાડમ, એપલ બોર અને ઇઝરાયેલી ખારેકની ખેતી કરી હતી આમ આ ખેડૂત વર્ષે અધધ કહી શકાય તેટલો 40 લાખ ઉપરાંત નફો મેળવી અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે
અન્ય ખેડૂતો પાસેથી પ્રેરણા લીધી
બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો દાડમ, એપ્પલ બોર અને ઇઝરાયેલ ખારેકની ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે ત્યારે થરાદના પઠામડા ગામના રામજીભાઇ વિહાભાઇ પટેલ જે 8 પાસ છે જેઓ પારંપારિક ખેતી રાયડો, એરંડા અને જીરૂની ખેતી કરી વર્ષે 3 લાખ જેટલો નફો મેળવતા હતા જ્યારે આજુબાજુના અન્ય ખેડૂતોની પ્રેરણા લઇ તેમણે 7 વર્ષ પહેલાં બાગાયતી ખેતી દાડમ, એપલ બોર અને ઇઝરાયેલ ખારેકની ખેતી કરી હતી
દાડમના 3 હજાર છોડ
રામજીભાઇ પટેલ પાસે દાડમના 3 હજાર છોડ છે જેમાંથી તેઓએ ગઇ સાલ 106 ટન ઉત્પાદન લઇ 30 લાખનો નફો મેળવ્યો હતો તેમજ આ વર્ષે પણ દાડમનું સારું એવું ઉત્પાદન છે અને જો 50 રૂપિયા જેટલો ભાવ મળે તો 40 લાખ નફો મળવાનો અંદાજ છે જ્યારે ગયા વર્ષે એપ્પલ બોરમાં 4 લાખ અને ઇઝરાયેલી ખારેકમાં 6 લાખ જેટલો નફો મેળવ્યો હતો આમ રામજીભાઇ પટેલ વર્ષે 40 લાખ ઉપરાંતનો નફો મેળવી સમૃદ્ધ બની રહ્યા છે
એકવાર દાડમ વાવો 15 વર્ષ ફળ મળે
આ અંગે રામજીભાઇ પટેલએ સંદેશો આપતા ખેડૂતોને જણાવ્યું હતું કે, ‘પારંપારિક ખેતીમાં નફો ઓછો છે જ્યારે સારી ટ્રીટમેન્ટથી બાગાયતી ખેતી કરો તો સમૃદ્ધ બની શકો છો’ આ ઉપરાંત મહત્વનું એ છે કે, દાડમની ખેતી એક વાર કર્યા પછી 15 વર્ષ ઉત્પાદન મળે છે જ્યારે એપ્પલ બોર અને ઇઝરાયેલ ખારેકમાં અંદાજે 70 વર્ષ ઉપરાંત ઉત્પાદન મળે છે ફક્ત માવજત ખર્ચ જ કરવો પડે છે
(તસવીર અને માહિતી: જીતેન્દ્ર પઢીયાર, પાલનપુર)