સુરત, કઠોરના શ્રમજીવી યુવકના હૃદય બંને કિડની અને લિવરના દાનથી ચાર વ્યક્તિને નવજીવન મળ્યું છે. ત્રણ દિવસ અગાઉ મિત્ર સાથે બાઇક પર ઘરે આવતી વખતે નડેલા અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ યુવકને તબીબોએ બ્રેઇન ડેડ ઘોષિત કરતા પરિવારે તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લઇ સમાજને ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે.
સુરત, કઠોર ગામના નવું ફળિયામાં રહેતો 19 વર્ષનો અર્જુન રાકેશભાઇ રાઠોડ સાયન રોડ શેખપુર ખાતે ટેક્ષટાઇલ યુનિટમાં કામ કરતો હતો. ગઇ આઠ તારીખે રાત્રે અર્જુન તેના મિત્ર સાથે બાઇક પર પોતાના ઘરે આવી રહ્યો હતો. ત્યારે કઠોર ગામ ખાતે કન્યા છાત્રાલયની સામે અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થતા અર્જુન નીચે પડી ગયો હતો અને તેને માથામાં ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સીટીસ્કેન સહિતની તપાસ બાદ મગજમાં ગંભીર ઇજાઓ થતા મગજની નસ ફાટી ગોઇ હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ ગુરૂવારે તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. પરિવારને અંગદાન બાબતે સમજણ આપતા તેઓ અર્જુનની બંને કિડની, હૃદય અને લિવરનું દાન કરવા રાજી થયા હતા.