એક એવી ગરબી કે જ્યાં દીકરીઓના નામ નોંધતા પહેલા દરગાહે શ્રીફળ વધેરવામાં આવે છે. જુનાગઢની ચામુંડા ગરબી મંડળમાં કોમી એખલાસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. આપણે
કોમીએકતાના કિસ્સા ઘણી જગ્યાએ જોયા છે. જેમાં રક્ષાબંધન પર્વ પર હિન્દુ બહેન તેના મુસ્લિમભાઈને રાખડી બાંધે છે. ગણેશ સ્થાપના સમયે એક મુસ્લિમભાઈ પોતે પોતાના ઘરે
માતાજીનું મઢ સ્થાપિત કર્યું છે અને દર વર્ષે ગણપતિ બાપાનું પણ સ્થાપન કરે છે. અને હવે માતાની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ ત્યારે સૌ કોઈ માતાની આરાધનામાં લીન થઈ
જતાં હોય છે.
60 વર્ષથી પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે
જુનાગઢનું ચામુંડા ગરબી મંડળ એક એવું મંડળ છે કે જેમાં હિન્દુ મુસ્લિમ સૌ બાળાઓ સાથે મળીને એક જ મંચ પર રાસ ગરબા રમે છે. જુનાગઢ શહેરની પ્રખ્યાત એવી નરસિંહ મહેતા ચોરા
પાસે આવેલ ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાતી ગરબીમાં હિન્દુ-મુસ્લીમ બાળાઓનાં વિશિષ્ટ પ્રકારનાં ભકિતભાવ પૂર્વકનાં રાસ ગરબા નિહાળવા એ અનન્ય લ્હાવો છે અને બાળાઓનાં
રાસ નિહાળી ઉપસ્થિત જન સમુદાય ભકિતભાવમાં ગરકાવ બની જતા હોય છે.
હિન્દુ-મુસ્લિમની 70 બાળાઓ રાસ ગરબા રમે છે
છેલ્લા 60 વર્ષથી અહીં પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત અહીનો ભુવા રાસ ખૂબ જ પ્રચલિત છે. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ અહી રાસ ગરબા જોવા માટે
દૂર દૂરથી ઉમટી પડે છે. અહી હાલમાં કુલ 70 બાળાઓ રાસ ગરબા રમી રહી છે જેમાં 35 બાળાઓ હિન્દુ અને 35 બાળાઓ મુસ્લિમ છે. અહી ભાગ લેનાર દરેક દીકરીઓ સામાન્ય
પરિવારમાંથી આવે છે. મોટા ભાગની દીકરીઓ સવારથી સાંજ સુધી કામ પર જાય છે અને ત્યાર બાદ સાંજે ગરબામાં જોડાય છે.