મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકી રહી છે. રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન ક્ષેત્રે રસ અને રૂચિ વધે તે માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક ડગલું આગળ વધતાં સુરત ખાતે એક નવીન મ્યુઝિયમનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે ‘ખોજ મ્યુઝિયમ’ નું લોકાર્પણ કરશે અને જાહેર જનતાને વિજ્ઞાન ક્ષેત્રે આ નવું નજરાણું સમર્પિત કરશે. સુરત મહાનગરપાલિકાના નેતૃત્વ હેઠળ અને ગુજરાત સીએસઆર ઑથોરિટી (GCSRA)ના સંયુક્ત ઉપક્રમે તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના CSR સમર્થનથી સુરતના સીટી લાઇટ રોડ પર સ્થિત સાયન્સ સેન્ટર સુરત સંકુલ ખાતે ‘ખોજ, જ્ઞાન, કળા, નવીનીકરણ મ્યુઝિયમ’ વિકસાવવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવેલું આ મ્યુઝિયમ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, વિવિઝ અન્વેષણ આધારિત પ્રવૃત્તિઓ અને જિજ્ઞાસા આધારિત સંશોધનો દ્વારા વિજ્ઞાન, કળા અને નવીનતાને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મોટાભાગના મ્યુઝિયમમાં એવા બોર્ડ વાંચવા મળે છે કે, ‘મહેરબાની કરીને અડકશો નહીં’, પરંતુ તેનાથી વિરુદ્ધ આ મ્યુઝિયમમાં મુલાકાતીઓને વિવિધ પ્રદર્શનો અને કોન્સેપ્ટ્સમાં ભાગ લેવા, વાર્તાલાપ કરવા, રમવા અને સંશોધનો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.