ધોરણ 10 અને 12માં ઓછા ટકા આવ્યા હોય અથવા તો નાપાસ થયા હોય તોપણ નિરાશ થવાની જરૂર નથી કારણ કે જો તમે મનથી મક્કમ હશો તો ભવિષ્યમાં કલેક્ટર પણ બની શકશો. જે સાર્થક કરી બતાવ્યું છે ભરૂચના કલેકટર ડૉ. તુષાર સુમેરાએ. જી હા કલેક્ટર ડૉક્ટર તુષાર સુમેરાને ધોરણ 10માં માત્ર પાસિંગ માર્ક્સ જ આવ્યા હતા. અંગ્રેજીમાં 35 , ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ. જો કે તેઓએ પરિણામથી હતાશ થવાના બદલે અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને આર્ટ્સનું શિક્ષણ પૂર્ણ કરી બી.એડની ડીગ્રી મેળવી હતી. કોલેજમાં અભ્યાસ સુધી તેઓ અંગ્રેજી વિષયમાં કાચા હતા પરંતુ તેઓનું આઇએએસ બનવાનું સપનુ હતું. જેને સાકાર કરવામાં પરિવારે તેમને મદદ કરી અને આજે જે પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર રાત દિવસ મહેનત કરી આજે પોતાની મંજીલ સુધી પહોંચી ગયા છે અને કલેક્ટર બની ગયા છે.