100થી વધુ ભારતીય ફૌજીઓની શહાદત અને 150થી વધુ આતંકી હુમલાઓનો માસ્ટર માઈન્ડ ગણાતો કુખ્યાત નક્સલવાદી રામન્ના લાંબી માંદગી બાદ પોતાના ભૂર્ગભવાસમાં જ મોતને ભેટ્યો છે શુક્રવારે બપોરે માઓવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ જાહેરાત કરી કે પક્ષની કેન્દ્રિય સમિતિના સભ્ય અને દંડકારણ્ય એક્શન કમિટીના કન્વિનર રામન્નાનું લાંબી માંદગી પછી હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે બસ્તરના આઈજી સુંદરરાજે પણ રામન્નાના મોતની પુષ્ટિ કરી છે તેલંગણા સરહદ નજીકના બિજાપુર ખાતે નદીના તટ પર તેની અંતિમવિધિ થઈ હતી
તેલંગણાના સિદ્ધપીઠ જિલ્લાના મુરીયમ્બા ગામે સાધારણ શિક્ષક પરિવારમાં જન્મેલો રામન્ના ભણવામાં અત્યંત તેજસ્વી ગણાતો હતો શાળાકક્ષાએ નેતૃત્વના ગુણો ધરાવતો રામન્ના ઈતરવાંચનનો શોખીન હોવાથી બાળવયે જ લેનિન અને માર્ક્સની વિચારસરણીથી પ્રભાવિત થઈને નક્સલવાદ પ્રત્યે આકર્ષાયો હતો 15 વર્ષની વયે પહેલી વાર બંદૂક ઊઠાવીને તેણે સિદ્ધપેઠના જિલ્લા મથક પર સશસ્ત્ર હુમલાની આગેવાની કરી હતી ત્યારથી મૃત્યુપર્યંત તેના નામે વિવિધ રાજ્યોમાં 150થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે કમનસીબે એકપણ વખત એ પકડાયો ન હતો
રામન્ના ઉપરાંત તેની પત્ની સાવિત્રી માઓવાદી તરીકે સક્રિય છે નક્સલી હુમલાઓમાં સહાયકારક ભૂમિકા ભજવતા મહિલાઓના જૂથની તે આગેવાની કરે છે રામન્નાનો નાનો ભાઈ પરશુરામ ચાર વર્ષ પહેલાં પોલીસ સાથેની મુઠભેડમાં માર્યો ગયો હતો રામન્નાનો પુત્ર શ્રીકાંત પણ છત્તીસગઢના માઓવાદી મોરચાની આગેવાની સંભાળે છે
રામન્નાની સૌથી મોટી તાકાત તેની આયોજનશક્તિ હતી ભારતીય સૈન્ય પર હુમલાઓ કરવામાં તે નાણાં, શસ્ત્રો, તાલીમબદ્ધ યુવાનો તૈયાર કરવામાં માહેર હતો હુમલાનો સમય, જગ્યા અને હુમલાનો પ્રકાર પસંદ કરવામાં તેની ફાવટ એવી હતી કે મોટાભાગે તે દરેક પ્રયાસમાં ભારતીય સૈન્યને મોટી હાનિ પહોંચાડી શકતો હતો આઝાદી પછીના ભારતીય ઈતિહાસનો સૌથી મોટો નક્સલવાદી હુમલો તેના નામે બોલે છે
6 એપ્રિલ, 2010ના રોજ બસ્તર નજીક ભારતીય સૈન્યના 80 જવાનો અને 150થી વધુ પોલીસકર્મીઓ સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે તેમની છાવણીથી થોડે દૂર ગ્રેનેડ ધડાકા કરીને સુરક્ષા કાફલાને ત્યાં જવા તેણે લલચાવ્યો અને પછી અગાઉથી દાટી રાખેલ સુરંગનો વિસ્ફોટ કર્યો હતો, જેમાં 78 જવાનો શહીદ થયા હતા