અમદાવાદઃ ડ્રાઈવર તરીકે ભરતી થયેલ ભરતગીરી બબુગીરી ગોસ્વામી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ના દુઝણી ગાય જેવા વિભાગમાં જઈને અચાનક પ્રોજેક્ટ મેનેજર બની ગયો અને એ પછી રાતોરાત તેની સંપત્તિ કૂદકે ને ભૂસકે વધવા લાગી ગાંધીનગર નજીક પેથાપુર ખાતે બજારભાવ મુજબ આશરે રૂ 250 કરોડની જમીન ઉપરાંત બંગલા, ફ્લેટ, પાર્ટીપ્લોટ ધરાવતા ભરતગીરી સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ થઈ અને ACBના મદદનીશ નિયામકે કરેલી તપાસમાં અપ્રમાણસર મિલકતના પુરાવા પણ મળી આવ્યા આમ છતાં એ ફાઈલ દબાવી દેવામાં આવી છે આ કેસમાં અનેક એવા છીંડા છે, જેના જવાબો ઈરાદાપૂર્વક છૂપાવવામાં આવતાં હોવાનું પ્રતીત થાય છે
ભરતગીરી ડ્રાઈવરમાંથી પ્રોજેક્ટ મેનેજર કઈ રીતે બન્યો?
નેવુના દાયકામાં કેશુભાઈ પટેલની સરકાર વખતે સમાજ કલ્યાણ મંત્રી લીલાધર વાઘેલાના સ્ટાફમાં ડ્રાઈવર તરીકે ભરતગીરી બબુગીરી ગોસ્વામીની ભરતી થઈ હોવાનો દાવો કરવામાં આવે છે વર્ષ 2009માં ડીજેપાંડિયન GSPCના ડાયરેક્ટર બન્યા બાદ ભરતગીરીને એ વિભાગમાં ડેપ્યુટેશન પર લાવવામાં આવ્યા એ પછી ભરતગીરી આશ્ચર્યજનક રીતે ઝડપથી પ્રમોશન મેળવીને પ્રોજેક્ટ મેનેજર (વર્ગ-2) બની ગયા એક ડ્રાઈવર આટલાં ટૂંકા ગાળામાં વર્ગ-2નો અધિકારી કઈ રીતે બની શકે?
માહિતી અધિકાર હેઠળ અધકચરી વિગતો મળી
આ અંગે ગાંધીનગરના વિરલગીરી ગોસ્વામી નામના વ્યક્તિએ માહિતી અધિકાર હેઠળ GSPC સમક્ષ અરજી કરીને ભરતગીરીનો ભરતી સમયનો હોદ્દો, મળેલા પ્રમોશનો, સર્વિસ બૂકની વિગતો વગેરે માહિતી માંગવામાં આવી હતી આરંભે આ માહિતી અંગત હોવાનું કહીને GSPC દ્વારા નકારવામાં આવી હતી બાદમાં એપેલેટ ઓથોરિટી સમક્ષ અરજી કરતાં એપેલેટ ઓફિસર સંદીપ દવેની મધ્યસ્થીથી GSPCના માહિતી અધિકારીએ ભરતગીરીનો છેલ્લો હોદ્દો પ્રોજેક્ટ આસિસ્ટન્ટનો હોવાનું સ્વિકાર્યું, પરંતુ નોકરીની શરૂઆતના હોદ્દા વિશે કે પ્રમોશનની પ્રક્રિયા વિશે કોઈ માહિતી આપવામાં ન આવી
કઈ રીતે વસાવી કરોડોની સંપત્તિ?
વરિષ્ઠ IAS અધિકારી ડીજેપાંડિયન GSPCના ડાયરેક્ટર હતા ત્યારે ભરતગીરી તેમનો ડ્રાઈવર હતો મુખ્યત્વે પાંડિયનના પરિવારજનોને લેવા-મૂકવાનું કામ કરતો ભરતગીરી અત્યંત વાચાળ અને વ્યવહારુ તોડ કાઢવામાં માહેર હોવાથી બહુ ઝડપથી પાંડિયનનો વિશ્વાસુ બની ગયો GSPCના આંતરિક સૂત્રોના દાવા પ્રમાણે તમામ નિયમો નેવે મૂકીને પાંડિયનની મહેરબાનીથી ભરતગીરીને ઝડપભેર પ્રમોશન મળવા લાગ્યા અને પછી તો સાહેબના વિશ્વાસુ તરીકેની છાપને લીધે ભરતગીરીના 'માર્ગદર્શન' હેઠળ સોલાર પાવર કોર્પોરેશનના પ્રોજેક્ટ કાર્યરત થવા લાગ્યા અહીંથી જ ભરતગીરીની સંપત્તિ વધવાની શરૂઆત થઈ
ભરતગીરીના નામે ગણાતી જમીનો ખરેખર કોની?
માની લો કે, ભરતગીરી વર્ગ-2 અધિકારી હોય અને ખાતેદાર ખેડૂત હોય તો પણ કરોડોની કિંમતની જમીન કેવી રીતે ખરીદી શકે એ સમજી શકાતું નથી તેની સામે અપ્રમાણસર સંપત્તિના કેસની તપાસ કરનાર ACBના મદદનીશ નિયામક રૂપલ સોલંકીએ પણ પોતાના તપાસ અહેવાલમાં ભરતગીરીના આવકના પુરાવા અને તેણે ભરેલ ઈનકમટેક્સ રિટર્ન મુજબ રૂ 11 કરોડ 57 લાખની સંપત્તિ અપ્રમાણસર હોવાનું નોંધ્યું હતું જો એ જમીનમાં ફક્ત નામ જ ભરતગીરીનું છે તો પૈસા કોણે રોક્યા છે?
સનસનીખેજ આક્ષેપઃ એ જમીન ખરેખર પાંડિયનની છે
ભરતગીરી સામે તપાસની અરજી કરનાર વિરલ ગોસ્વામી આ અંગે સ્પષ્ટ આક્ષેપ કરતાં કહે છે કે, 'ભરતગીરી તો માત્ર મ્હોરું છે ખરાં મોટા માથાંઓ તો ડીજેપાંડિયન અને એક મોટા ગજાનાં મંત્રી છે ભરતગીરીનું નામ ફક્ત ચોપડા પર જ છે, ખરેખર તો એ દરેક સંપત્તિમાં ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી ડીજેપાંડિયને રોકાણ કરેલું છે ડીજેપાંડિયનના વહીવટ દરમિયાન આશરે રૂ 350 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતાં વિરલ ગોસ્વામી ઉમેરે છે કે, 'પાંડિયનના વહીવટ દરમિયાન GSPCને સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ મળી એ વિશે મેં માહિતી માંગી તો કશી જ ગ્રાન્ટ મળી નથી એવો જવાબ GSPC દ્વારા આપી દેવામાં આવ્યો બાદમાં મેં રાજ્ય સરકારના ઉર્જા મંત્રાલયમાં અરજી કરી તો જાણવા મળ્યું કે પાંડિયનના વહીવટ દરમિયાન ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની જુદી જુદી યોજના માટે રૂ 10,943 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તો પછી GSPC કોનાં ઈશારે ખોટી માહિતી આપે છે?'
'કેસ સીબીઆઈને સોંપાવો જોઈએ'
હાલ એશિયન ઈન્ફાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્કના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા ડીજેપાંડિયનનો વિરલ ગોસ્વામીના આક્ષેપો અને તેમણે દર્શાવેલા દસ્તાવેજો અંગે ખરાઈ કરવા માટે અમે પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો
ACB ભેદી રીતે તપાસ અટકાવી રહી છે ત્યારે આ સમગ્ર કિસ્સાની તલસ્પર્શી તપાસ CBIને સોંપાવી જોઈએ એવી ફરિયાદીની માગણી છે આ અંગે તેઓ હાઈકોર્ટમાં પણ એફિડેવિટ કરી ચૂક્યા છે