નારોલ નામનું નરકઃ 75 ફૂટ ઉંચા ગંદકીના પહાડની આસપાસના રહીશોની જીંદગી દોજખ બની

DivyaBhaskar 2019-05-05

Views 3.8K

ચેતન પુરોહિત, અમદાવાદઃ અમદાવાદનું એન્ટ્રી પોઇન્ટ ગણાતું નારોલ સર્કલ અને તેની વાતો તમામ લોકોએ સાંભળી હશે પરંતુ આ વિસ્તારના 2 લાખ જેટલા રહીશો ખરેખર નરક સમાન જિંદગી જીવી રહ્યા છે એર કન્ડિશન્ડ રૂમમાં બેઠા બેઠા અમદાવાદ અને તેના વિકાસની વાતો સારી લાગે, પણ નારોલમાં રહેતા લોકોને મળો તો આ બધી વાતો ખોખલી લાગે સ્થાનિકો રોજ પાણીના એક એક ટીપાં માટે સંઘર્ષ કરે છે માત્ર એટલું જ નહિં, પાણી માટે મારામારી સુધી પણ ઉતરી આવે છે તેમજ દારૂના વેચાણથી લઈ ગુનાખોરીનું પણ સામ્રાજ્ય છે

જ્યારે બાળકો શિક્ષણ મેળવવાને બદલે કોર્પોરેશન નિર્મિત કચરાના ઢગલા પર દોરીની મદદથી કચરો વીણી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને છે તેમાં પણ રાત્રે તો નારોલ બિહાર કરતા પણ બિહામણું લાગતું હોવાથી કોઈ મહિલાને એકલું પસાર થવું હોય તો પણ તે ભયભીત બનીને નીકળતી જોવા મળે છે જેને પગલે DivyaBhaskarએ નારોલવાસીઓની સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે

બોમ્બે હોટલ-બહેરામપુરા જેવા વિસ્તારો સ્માર્ટસિટીથી યોજનો દૂર
ભલભલાના રૂવાંડા ઉભા કરી દે તેવી દોજખ જિંદગી જીવતા નારોલવાસીઓના જીવન સંબંધિત સમસ્યાઓને લઈ અલગ-અલગ સંસ્થાઓએ રિપોર્ટ તૈયાર કરી કોર્પોરેશનને સોંપ્યા છે આમ છતાં આ ફાઈલો હજુ પણ ધૂળ ખાઈ રહી છે નારોલના બોમ્બે હોટલ, ફૈઝલનગર, પિરાણા ડમ્પિગ સાઇટ અને બહેરામપુરા વિસ્તારનો કેટલોક ભાગ સ્માર્ટસિટીથી યોજનો દૂર છે

પ્રદૂષણની માત્રા બેહદ ઝેરી
પિરાણામાં ઘણીવાર પીએમ( પર્ટિક્યૂલેટ મેટર)1૦ની માત્રા વધીને 320થી ઉપર જયારે પીએમ 25ની માત્રા 360-370 સુધી પહોંચે છે જેથી હવા એકદમ ઝેરી બની રહી છે વાસ્તવમાં પીએમ 1૦ની માત્રા 1૦૦થી વધુ વધવી જોઇએ નહી આ જ પ્રમાણે, પીએમ 25ની માત્રા 6૦થી વધુ ન હોવી જોઇએ હવામાં પીએમ 25ની માત્રા 121થી વધુ થાય તો તે અતિખરાબ ગણવામાં આવે છે હવાની ગુણવત્તાના ધારાધોરણો કરતાં ઝેરી રજકણોની માત્રા વધુ જોવા મળે છે

આજે પણ મહિલાઓએ દૂર સુધી પાણી ભરવા જાય છે
ફૈઝલનગરમાં આજે પણ સુધી ટેન્કર દ્વારા પાણી પુરું પાડવામાં આવે છે પરંતુ ટેન્કરનું પાણી જરૂરિયાત સામે ઓછું પડતું હોવાથી મહિલાઓને દૂર સુધી પાણી ભરવા જવું પડે છે આ સ્થિતિ જોતા નારોલવાસીઓ 90ના દાયકામાં જીવતા હોય એમ લાગે છે આ વિસ્તારમાં કેટલીક સોસાયટીમાં બોર છે પરંતુ તેમાંથી કેમિકલયુક્ત પાણી નીકળે છે જેને પગલે સ્થાનિકોએ મજબૂરીમાં કેમિકલયુક્ત પાણી પીવું પડે છે અને તેઓ અનેક બીમારીઓનો પણ ભોગ બને છે

ગુનેગારોનો અડ્ડો
જે વિસ્તારમાં પાણીથી લઈ પ્રદૂષણ અને રોજગારીની સમસ્યાઓ હોય ત્યાં સ્વભાવિક રીતે ગુનાખોરીનું પ્રમાણ પણ ઉંચું હોય છે અહિં માથાભારે શખ્સો મર્ડરથી લઈ બોમ્બ ફેંકવા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા રહે છે

ભૂમાફીયાઓ બેફામ
નારોલમાં પાણી અને ગુનાખોરીની સમસ્યાની સાથે સાથે પ્રદૂષણ પણ એક ગંભીર મુદ્દો છે અહિં આવેલી ડમ્પિંગ સાઈટને કારણે કચરાના ઢગલામાં દરરોજ આગ લાગવાથી ભયંકર પ્રદૂષણ ફેલાય છે લોકો જ્યારે ધાબા પર ઉંઘવા જાય છે ત્યારે ઉઠવા સમયે તેના મોં પણ કાળા પડી જાય છે આ સિવાય શ્વાસ, ફેફસાં અને ચામડી સંબિધિત બીમારીઓનો પણ ભોગ બને છે આ સિવાય ભૂમાફીયાઓ પણ બેફામ બન્યા છે ભૂમાફિયાઓએ સોધન તળાવમાં પુરાણ કરીને ગેરકાયદે બાંધકામ શરુ કરી દીધુ છે

આ સમસ્યાઓને લઈ સામાજિક કાર્યકર શરીફ શેખે જણાવ્યું હતું કે, અહિંના લોકોની જિંદગી ખરેખર નરક સમાન છે અહિં CEPT(સેન્ટર ફોર એનવાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી) જેવી સંસ્થા સાથે અમે સર્વે કરીને કોર્પોરેશનને રિપોર્ટ સોંપ્યો છેપરંતુ હજુ સુધી તેને લઈ કોઇપણ પ્રકારની કામગીરી થઇ નથી

સ્થાનિકોની દયનીય હાલત છુપાવવા પ્રયાસ
નારોલમાં એક જગ્યાએ કચરામાં બાળકો પ્લાસ્ટિક વીણતા જોવા મળે છે, તો બીજી બાજુ લાખોના ખર્ચે નારોલ સર્કલને ડેવલપ કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે નારોલની દયનીય સ્થિતિ લોકોની નજરે ન ચઢે તે માટે રસ્તાના બન્ને તરફ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે બહેરામપુરા વોર્ડના મહિલા કોર્પોરેટર કમલાબેને જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં કેમિકલયુક્ત પાણીની સમસ્યા હોવાથી મહિલાઓના ગર્ભપાત વધી રહ્યા છે છેલ્લા અનેક વર્ષથી માત્ર ટેન્કરથી પાણી પુરું પાડવામાં આવે છે, પરંતુ જો તે રકમથી આ વિસ્તારનો વિકાસ કરવામાં આવે તો આ વિસ્તારની કાયાપલટ થઇ શકે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS