રાજ્ય સરકારની અમૃતમ યોજના હેઠળ વલસાડ નગર પાલિકા દ્રારા ૩૪ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રાખોડિયા તળાવ ગાર્ડન સવા વર્ષથી બનીને તૈયાર છે. ત્યારે પાલિકા દ્વારા બાગનું લોકાર્પણ ન કરવામાં આવતા બાગ વેરાણ બન્યો છે. સાથે રાત્રી દરમિયાન અસામાજિક તત્વોનો અડ્ડો બનવા પામ્યો છે. બાગની અંદર બાળકો માટે રમતગમતના સાધનો જેમાં હિંચકા, લસરપટ્ટી સહિતના સાધનો, જીમના સાધનો, સિનિયર સિટીજનો માટે બાંકડાઓ, સુશોભિત પ્લાન્ટ્સ, હરિયાળી લોન, ૧૮ સોલાર લાઇટો મુકવામાં આવી હતી. બાગ સંપૂર્ણપણે તૈયાર થઇ જતા આશરે સવા વર્ષ પહેલા કોન્ટ્રાકટરે પાલિકા તંત્રને સુપ્રત કરી દીધો હતો.