રાહુલ ગાંધીના ડ્રગ્સ અંગેના આક્ષેપો બાદ રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પરંતુ ગુજરાત પોલીસની મહેનત અને રાજ્ય સરકારની ઈચ્છાશક્તિના પરિણામે ડ્રગ્સ પકડાય છે, આ લડાઈ હજી લાંબી ચાલવાની છે, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ પુરવાર થઈ રહી છે. ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં કુલ 485 કેસમાં 763 આરોપીઓની ધરપકડ કરીને રૂ. 6 હજાર 4 કરોડ 52 લાખ ને 24 હજારથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડયો છે. છેલ્લા એક વર્ષમાં એક પણ ડ્રગ્સ વેચનારને જામીન મળ્યા નથી. ગુજરાત સરકારની ડ્રગ્સ રિવોર્ડ પોલીસીની ડ્રગ્સ પકડવામાં સૌથી અગત્યની ભૂમિકા છે.