બરવાળા પંથકમાં ઝેરી કેમિકલ યુક્ત દેશી દારૂમાં થયેલ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 43 પર પહોંચી ચૂક્યો છે. જેના પગલે બરવાળા તાલુકાના જૂના નાવડા ગામમાં દારુબંધીનો કડક અમલ કરવા અંગે ઢોલ સાથે સાદ પાડવામાં આવ્યો છે.
હકીકતમાં જૂના નાવડા ગ્રામ પંચાયત દ્વારા ઢોલ સાથે ગામની શેરી-શેરીમાં ફરીને એલાન કરવામાં આવ્યું છે કે,
“કોઈ પણ દારુના વેપારીએ દારુ વેચવો નહીં. જે દારુના બંધાણી હોય તેમણે દારુ પીવો નહીં. જો કોઈ પણ દારુ પીતો કે વેચતો પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ” ઢોલ સાથે દારુ બંધી અંગેનો ઢંઢેરો પીટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય તકેદારીના ભાગરુપે લેવાયો છે.
જણાવી દઈએ કે, બોટાદ જિલ્લાના બરવાળા તેમજ રાણપુર તાલુકાના ગામોમાં ઝેરી કેમિકલ યુક્ત દેશી દારૂના પીવાના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે, જ્યારે અન્ય અનેક લોકો સારવાર હેઠળ છે. એવામાં આવો બનાવ ફરી કોઈ ગામોમાં ના બને, તે માટે જૂના નાવડા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં કે દારૂના વેચાણમાં પકડાશે તો પોલીસ કેસ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવો સમગ્ર ગામમાં સાદ પડાવવામાં આવ્યો ઠે.